તા. ૨૬ મે, ૨૦૧૪ના રોજના વડા પ્રધાનપદના શપથવિધિ દ્વારા પદગ્રહણ કર્યા પછી બીજા જ દિવસે મોદી સરકારે કાર્યરત થવાનું છે અને દેશના અર્થતંત્રની સામે રહેલા ઢગલાબંધ આર્િથક પડકારોને અતિ ત્વરિત ગતિથી સુલઝાવવાની કવાયત શરૂ કરી દેવાની છે ત્યારે સૌ અર્થશાસ્ત્રીઓના મનમાં એક ઉલઝન સળવળ્યા કરે છે કે,શું ભારતના આર્િથક પ્રશ્નોના ઉકેલ માટે નરેન્દ્ર મોદીના ગુજરાત વિકાસ મોડલનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે પણ કરવામાં આવશે ખરો ? આવી શકશે ખરો ?
આ બંને પ્રશ્નોની વિચારણા કરતાં પહેલાં બે બાબતો સ્પષ્ટ કરી લેવી પડશે. પહેલી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, મોદી સરકારની સામે જે કંઈ પડકારો પથરાયેલા પડયા છે તે બધાનો કંઈ એકીસાથે અને રાતોરાત ચમત્કારિત રીતે હલ થઈ જવાનો નથી. યુપીએ-૨ સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભૂલભરેલા આર્િથક નિર્ણયો, આર્િથક ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કૌભાંડો,અનિર્ણાયકતા તેમ જ અર્થતંત્રના કલ્યાણ માટેની રાજકીય ઇચ્છાના સદંતર અભાવને કારણે જે આર્િથક અવ્યવસ્થા અને અંધાધંૂધી ઊભી થઈ છે તેને દૂર કરીને અર્થતંત્રને સુવ્યવસ્થિત કરવું પડશે. આ કસરત થોડો સમય ચોક્કસપણે માગી લે તેવી છે. પાટી ઉપર નવા અક્ષરો પાડતા પહેલાં અગાઉના જૂના ઘસરકા અને લીટાઓથી ઊભી થયેલી ગરબડ સૌપ્રથમ તો સાફ કરવી પડે છે. આયુર્વેદ ચિકિત્સામાં વૈદ્યરાજ રોગીનો ઉપચાર શરૂ કરતાં પહેલાં રોગીના શરીરમાં ઘૂસી ગયેલા વિકારોને દૂર કરવા માટે શોધન ક્રિયા કરે છે અને તે પછી જ યોગ્ય ઉપચાર શરૂ કરે છે.
એવી જ બીજી મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતનું વિકાસ મોડલ રાજ્યના સ્તરે અમલમાં મૂકાયેલું વિકાસ મોડલ છે. આ મોડલ જેમનું તેમ કદાચ રાષ્ટ્રીય સ્તરે બંધબેસતું ન પણ થાય, કારણ કે રાષ્ટ્રીય અર્થકારણ અને પ્રાદેશિક અર્થકારણના વિકાસના પ્રશ્નોનું સ્વરૂપ એક સમાન હોતું નથી. રાષ્ટ્રીય સ્તરના આર્િથક પ્રશ્નો રાજ્યના સ્તરના પ્રશ્નો કરતાં થોડા જુદા પ્રકારના હોય છે. દા.ત.,રાષ્ટ્રીય સ્તરે અત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન મોંઘવારી અને ગરીબીનો છે તથા આર્િથક વિકાસના ઊંચા દરનો છે. જ્યારે ગુજરાતનો અત્યારનો તાકીદનો પ્રશ્ન સામાજિક વિકાસનો તથા જળ સંચાલનનો અને જળસંચયનો છે. ગુજરાતનો અત્યારનો ચિંતાનો વિષય શિક્ષણ, આરોગ્ય, જાહેર સ્વચ્છતા તથા કુપોષણની છે અને એવી જ તાકીદની ચિંતા પાણીની અછતની છે. આ બંને પ્રશ્નો કાયમી ધોરણે નિરાકરણ માગે છે એટલે જે સ્વરૂપનું વિકાસ મોડલ અત્યારની પરિસ્થિતિમાં ગુજરાત માટે આવશ્યક છે તે જ મોડલ રાષ્ટ્રીય સ્તરે જેમનું તેમ અને તેના તે જ સ્વરૂપમાં કદાચ બંધબેસતું નહીં આવે.
આમ છતાં એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતનું વિકાસ મોડલ ભારતના વિકાસ મોડલ માટે ઉપયોગી થઈ શકે તેમ છે. ૨૦૦૧-૦૨માં નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સંભાળતી વખતે ગુજરાતના જે સ્વરૂપની અર્થતંત્રનો વારસો સંભાળ્યો હતો તેમાંથી દસ વર્ષ પછી ૨૦૧૩-૧૪માં ગુજરાતના અર્થતંત્રનો કાયાકલ્પ થઈ ગયો છે તે જે પદ્ધતિ અને અભિગમથી શક્ય બન્યું તે પદ્ધતિ અને અભિગમને ગુજરાતના વિકાસ મોડલ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતનું વિકાસ મોડલ ખરેખર શું છે ? આ પ્રશ્નનો જવાબ એક જ વાક્યમાં આપવાનું ખરેખર અશક્ય છે. રાજ્યના કોઈ એક ક્ષેત્રના વિકાસની ઘટના એ તેનું વિકાસ મોડલ નથી. તે તો સમગ્ર વિકાસ મોડલના પરિણામ સ્વરૂપ આકાર પામેલી એકમાત્ર ઘટના છે. રાજ્યના અર્થતંત્રના નાનાથી માંડીને મોટા તમામ ક્ષેત્રોના સર્વાંગી વિકાસનો નમૂનો એ ગુજરાતનું વિકાસ મોડલ છે. ખેતી અને ઉદ્યોગ એ ગુજરાત વિકાસ મોડલના બે પાયા છે. ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ, રાજ્યમાં એકના સ્થાને ચાર કૃષિ યુનિર્વિસટીની રચના, ધોરિયા પદ્ધતિના સ્થાને સૂક્ષ્મ સિંચાઈની ટેકનોલોજીને વ્યાપક બનાવવાનું અભિયાન, ચેકડેમનું નિર્માણ, જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાંઓ અને ખેતરોને અવિરત વીજળીની ઉપલબ્ધિ, કૃષિમેળાઓ અને કૃષિરથની નવતર યોજના દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજીની માહિતી અને ઘરબેઠા માર્ગદર્શન, કિસાન કોલ સેન્ટર દ્વારા ખેડૂતોને ૨૪ કલાક નિષ્ણાત માર્ગદર્શન- આ અને આના જેવી બીજી અનેક યોજનાઓમાં ખેડૂતોને સામેલ રાખીને ગુજરાતે ખેતી ક્ષેત્રે ચમત્કાર સર્જી બતાવ્યો છે. દેશ આખાના ખેતીક્ષેત્રના છેલ્લા દસ વર્ષના સરેરાશ ૨ ટકા વિકાસદરની સામે ગુજરાતે ૯.૬ ટકાનો વિકાસ દર હાંસલ કરી બતાવ્યો છે. ગુજરાતની જ્યોતિગ્રામ યોજના, કૃષિમેળા અને કૃષિરથ તેમ જ ચેકડેમની યોજનાની તો રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળી છે. આ છે ગુજરાતનું વિકાસ મોડલ.
તેવી જ રીતે ગુજરાતે ઔદ્યોગિક વિકાસમાં પણ ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિ છેલ્લા દસ વર્ષમાં હાંસલ કરી છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાત માત્ર નાના પાયાના ઉદ્યોગોનું રાજ્ય હતું તેના સ્થાને આજે ગુજરાત મોટા પાયાના ઉદ્યોગોનું મથક બની ગયું છે. આ માટે રાજ્ય સરકારે સૌપ્રથમ તો નવા મૂડીરોકાણ માટે અને નવા ઉદ્યોગોની સ્થાપના માટેના વિશ્વસનીય અને અનુકૂળ વાતાવરણનું સર્જન કરીને રોકાણકારોનો ગુજરાતમાં રસ અને વિશ્વાસ ઊભા કર્યા. ઔદ્યોગિક મૂડીરોકાણને પ્રોત્સાહક વહીવટીતંત્રનું નિર્માણ કર્યું અને પછી મૂડીરોકાણ મેળાવડાઓ યોજીને દેશ પરદેશના મૂડીરોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. આ બધી કામગીરીને પરિણામે ગુજરાત મોટરકાર ઉદ્યોગનું મુખ્ય મથક બની ગયું છે. ર્મૂિછત થઈ ગયેલો કાપડ ઉદ્યોગ પુનઃજીવિત થઈ રહ્યો છે અને સુરતનો હીરા ઉદ્યોગ સમગ્ર દેશમાં પ્રથમ હરોળનો બની ગયો છે. પરિણામે સમગ્ર દેશના દસ વર્ષના સરેરાશ ૮ ટકાના ઔદ્યોગિક વિકાસની સામે ગુજરાતે ૨૩ ટકાનો વિકાસ હાંસલ કર્યો છે.
આ બધું સિદ્ધ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીની દૂરંદેશી અને સૂઝબૂઝનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. મૂડીરોકાણ મેળાવડા,પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, કચ્છનો રણોત્સવ વગેરે જેવા પ્રસંગોના પ્રતિવર્ષ આયોજન દ્વારા વિદેશના સંખ્યાબંધ મહાનુભાવોને ગુજરાતમાં આર્કિષત કરવામાં આવ્યા છે. ગુજરાતના મૂડીરોકાણ પ્રવાહમાં આ પ્રસંગોનો ફાળો પણ ઘણો મોટો છે. વિકાસની આ સમગ્ર પ્રક્રિયામાં જનસમુદાયને સાથે સાથે કોઈને કોઈ ભૂમિકામાં કોઈ ને કોઈ રીતે જોતરવાનો ઉપક્રમ અવશ્ય રાખવામાં આવ્યો છે. પછી તે જ્યોતિગ્રામ યોજના હોય કે કૃષિમેળા કે જુદા જુદા સામાજિક ઉત્સવો હોય.


No comments:
Post a Comment